AMCમાં ૪ HODની ભરતી: નવા વર્ષના પ્રારંભમાં સ્ટાફ સિલેક્શન કમિટી યોજાશે
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી હેડ ઓફ ડિપાર્ટમેન્ટ (HOD)ની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. AMCમાં દિવાળીના રજાઓનું વેકેશન પૂરું થયા પછી નવા વર્ષના પ્રારંભમાં HODની ૪ જગ્યા ભરવા માટે મેયર, AMC કમિશનર સહિત હોદ્દેદારોની સ્ટાફ સિલેક્શન કમિટીની બેઠક યોજવામાં આવશે. AMCમાં HODની ૧૫ જગ્યા પૈકી ચાર જગ્યા ભરવા માટે સેન્ટ્રલ સર્વિસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મ્યુનિ.માં HODની ચાર જગ્યા પૈકી બે જગ્યા પ્રમોશનથી અને બે જગ્યા સીધી ભરતીથી એટલે કે ઈન્ટરવ્યૂ લઈને ભરવાનો નિર્ણય લેવાયો હતો. મ્યુનિ.માં HODની બે જગ્યા પ્રમોશનથી ભરવા માટે વહીવટી કેડરના અધિકારીઓની સિનિયોરિટી ધ્યાને લેવામાં આવતાં બે ઉમેદવારોના નામ લગભગ નક્કી હોવાનું જાણવા મળે છે. જોકે, સીધી ભરતીથી ભરવાની થતી HODની બે જગ્યા માટે અધિકારીઓમાં સ્પર્ધા હોવાનું જાણવા મળે છે. હાલ નવી દિલ્હી ખાતે PMO ઓફિસમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવતા વિરાગ પંચાલ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સોલિડ વેસ્ટ ખાતામાં ડે. ડાયરેકટર તરીકે ફરજ બજાવતાં કનકસિંહ રોહડિયા તેમજ AMC પબ્લિસિટી વિભાગના ચિરાગ પટેલ મુખ્ય દાવેદાર મનાઈ રહ્યા છે. મ્યુનિ. સ્ટાફ સિલેકશન કમિટીમાં આ ત્રણ દાવેદારો પૈકી કોની પસંદગી કરશે, તે જોવાનું રહેશે.
ઉલ્લેખનીય છે કે, મ્યુનિ.માં સને ૧૯૯૫-૯૬માં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ભરતી થયેલાં તમામ અધિકારીઓ સને ૨૦૨૦-૨૧માં નિવૃત્ત થવાનાં છે, તેના પગલે મ્યુનિ.માં HOD અને ડે. HODની જગ્યાઓ ખાલી પડતી હતી, એટલું જ નહિ આગામી એક બે વર્ષમાં HOD અને ડે. HOD કક્ષાનાં અધિકારી નિવૃત્ત થવાના છે. મ્યુનિ.ઈજનેર ખાતામાં એડિશનલ સીટી ઈજનેરની બે ખાલી જગ્યા ભરવાની દરખાસ્ત પણ સ્ટાફ સિલેકશન કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી છે, આ જગ્યા અનામત હોવાથી તેના માટે ઉમેદવાર મેદાનમાં છે, પરંતુ એક ઉમેદવારનો ભૂતકાળ ખરડાયેલો હોવાથી તેમની શક્યતા નહિવત છે.

0 Comments